સ્વતંત્રતા પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશભક્તિના માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થવાની છે, ત્યારે તે પહેલાં જિલ્લામાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા કક્ષાની સૌથી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ યાત્રા કોમર્સ કોલેજ સુધી યોજાઈ હતી અને આશરે 5 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરીજનો જોડાયા હતા.
તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, કમિશનર જે.કે. જાદવ, મેયર રાકેશ રાઠોડ, ASP વૈદિકા બિહાની અને DYSP પાર્થ પરમાર સહિતના અધિકારીઓ જોડાયા હતા.
આ ઉપરાંત વઢવાણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના રાજકીય આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના ચેરમેન, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તિરંગો હાથમાં લઈને યાત્રામાં ભાગ લીધો હતો.
દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગા સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર સુરેન્દ્રનગર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે