
બોડેલી શહેરમાં રખડતા આખલાઓનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં રખડતા આખલાઓએ ત્રણ રાહદારીઓને અડફેટે લેતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ એક વૃદ્ધ અને એક યુવાન રખડતા આખલાની અડફેટે આવી જતા બંનેને ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, બોડેલીમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા આખલાઓની સંખ્યા વધી રહી છે. રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા અને અચાનક દોડતા આખલાઓને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખાસ કરીને બે આખલાઓ સામસામે આવીને લડતા હોય ત્યારે આસપાસથી પસાર થતા લોકો માટે ગંભીર જોખમ સર્જાઈ રહ્યું છે.આજે પણ શહેરમાં રખડતા બે આખલાઓ સામસામે લડતા હતા. દરમિયાન નજીકથી પસાર થઈ રહેલા વૃદ્ધ અને યુવાન બંને તેની અડફેટે આવી ગયા હતા. આખલાએ અડફેટે લેતા બંનેને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના પહેલા ગઈકાલે પણ એક આધેડ વ્યક્તિ રખડતા આખલાની અડફેટે આવી ગયા હતા. આખલાએ ભેટી મારતા આધેડને ઇજાઓ પહોંચી હતી અને સારવારની જરૂર પડી હતી. આમ, માત્ર બે દિવસના સમયગાળામાં ત્રણ રાહદારીઓ રખડતા આખલાઓના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.રખડતા આખલાઓ રસ્તા વચ્ચે બેસી રહેતા હોવાને કારણે વાહનચાલકોને પણ અચાનક બ્રેક મારવી પડે છે. જ્યારે રસ્તા પર આખલાઓ એકબીજા સાથે લડતા હોય ત્યારે તેઓ ગમે તે દિશામાં દોડી જતા હોવાથી રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. નગરજનોનું કહેવું છે કે જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ વ્યક્તિનો જીવ જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નગરજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે બોડેલીમાં રખડતા આખલાઓને પકડીને સલામત સ્થળે ખસેડવામાં આવે અને જાહેર માર્ગો પર પશુઓને રખડતા અટકાવવા માટે અસરકારક વ્યવસ્થા કરવામાં આવે. રખડતા આખલાઓના વધતા આતંક વચ્ચે હવે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે