મહીસાગરમાં ગમખ્વાર અકસ્માત: દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક ટક્કર, એક જ પરિવારના 3 સભ્યોના મોત

મહીસાગર જિલ્લામાં આજે, 14 ઓગસ્ટના રોજ લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.મળતી માહિતી મુજબ, મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તળાવ ફળિયું વિસ્તારના રહેવાસી હતા. મૃતકોમાં કાર ચાલક હાર્દિક પ્રજાપતિ, તેમની માતા પુષ્પાબહેન પ્રજાપતિ અને દાદી સવિતાબહેન પ્રજાપતિનો સમાવેશ થાય છે.પ્રાથમિક માહિતી અનુસાર, દૂધનું ટેન્કર લુણાવાડા તરફથી સરસણ શીત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન હરિગરના મુવાડા ગામ નજીક સામેથી સંતરામપુર તરફથી આવી રહેલી કાર સાથે ટેન્કરની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્મત બાદ ટેન્કર ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાં સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ટેન્કર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની શોધખોળ શરૂ કરી છે.એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માતને પગલે હાઇવે પર પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો