અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચિયા અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6, અમદાવાદમાં ફરજ બજાવતા રાજ્ય વેરા અધિકારી અને રાજ્ય વેરા નિરીક્ષકને રૂ.25,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી ‘યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી’ નામની કંપનીના માલિક છે અને એર કોમ્પ્રેસરના વેચાણ તથા સર્વિસનું કામ કરે છે. ફરિયાદી નિયમિત રીતે કંપનીનું ત્રિમાસિક GST રિટર્ન ફાઇલ કરાવતા હતા. જોકે, વ્યવસાયમાં આર્થિક મુશ્કેલી સર્જાતા એપ્રિલ 2026થી જૂન 2026 સુધીનું ત્રિમાસિક GST રિટર્ન ફાઇલ કરી શકાયું નહોતું અને GST ટેક્સની રકમ પણ ભરપાઈ થઈ શકી નહોતી.આ મામલે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુમાળી ભવન ખાતેની સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-6 દ્વારા ફરિયાદીની કંપનીનું સેવિંગ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું.બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ ફરિયાદીએ કચેરીનો સંપર્ક કરી એકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ દરમિયાન રાજ્ય વેરા અધિકારી દ્વારા બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે રૂ.25,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ ફરિયાદની હકીકત ચકાસી છટકું ગોઠવ્યું હતું.આજે, 14 ઓગસ્ટ, 2026ના રોજ ACBની ટીમે ગોઠવેલા છટકામાં બંને કર્મચારીઓ રૂ.25,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACBએ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ
કમલેશકુમાર બાબુજી ઠાકોર — રાજ્ય વેરા અધિકારી, ક્લાસ-2મોહમ્મદ અઝીઝ કાદરખાન મન્સુરી — રાજ્ય વેરા નિરીક્ષક, ક્લાસ-3

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે