ગુજરાતમાં નવું ઈ-ચલણ સિસ્ટમ: 3 દિવસમાં ચલણ, 45 દિવસમાં અપીલ નહીં કરો તો દંડ માન્ય

ગુજરાતમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. નવી સિસ્ટમનો સમગ્ર રાજ્યમાં 12 ઓગસ્ટ, 2026થી સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગથી લઈને ઈ-ચલણ મોકલવા, વાંધો નોંધાવવા અને દંડ ભરવા સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.નવી વ્યવસ્થા મુજબ, ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકને હવે નિયમ ભંગ થયાના 3 દિવસની અંદર ડિજિટલ માધ્યમથી ઈ-ચલણ મોકલવું ફરજિયાત રહેશે. ઈ-ચલણ SMS અથવા ઈ-મેઇલ મારફતે મોકલી શકાશે. જ્યારે ભૌતિક એટલે કે કાગળ પરનું ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.જો વાહનચાલકને મળેલા ચલણ સામે વાંધો હોય અથવા તેને લાગે કે ચલણ ખોટું આપવામાં આવ્યું છે, તો તે 45 દિવસની અંદર સંબંધિત સત્તાધિકારી અથવા કોર્ટ સમક્ષ અપીલ કરી શકશે.જો 45 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં વાહનચાલક દ્વારા ચલણ સામે કોઈ વાંધો કે અપીલ કરવામાં નહીં આવે, તો નિયમ મુજબ તેણે ચલણ સ્વીકારી લીધું હોવાનું માનવામાં આવશે.નિર્ધારિત સમયમર્યાદામાં દંડની રકમ ભરવામાં નહીં આવે તો વાહનચાલક સામે કડક કાર્યવાહી થઈ શકે છે. VAHAN પોર્ટલ પર સંબંધિત વાહનની પ્રોફાઇલ સામે ‘Not to be Transacted’ નોંધ કરવામાં આવી શકે છે.આ નોંધ બાદ વાહનની ખરીદી-વેચાણ, માલિકી ટ્રાન્સફર સહિતની વિવિધ RTO સંબંધિત કામગીરી અટકી શકે છે. જ્યારે ગંભીર કિસ્સામાં અથવા લાંબા સમયથી દંડની રકમ બાકી હોય ત્યારે પોલીસ દ્વારા વાહન ડિટેઇન (જપ્ત) પણ કરવામાં આવી શકે છે.

ચલણ સ્વીકાર્યા બાદ દંડની રકમ ઓનલાઈન ભરવા માટે વાહનચાલકને વધારાના 30 દિવસનો સમય આપવામાં આવશે. આ સમયગાળામાં દંડની રકમ ભરવી ફરજિયાત રહેશે.વાહનચાલકો સત્તાવાર પરિવહન ઈ-ચલણ પોર્ટલ પર જઈને વાહન નંબર અથવા ચલણ નંબર દાખલ કરી પોતાના વાહન સામે નોંધાયેલા ઈ-ચલણની વિગતો ચકાસી શકે છે અને ઓનલાઈન દંડની ચુકવણી કરી શકે છે.નવી ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’નો મુખ્ય હેતુ ટ્રાફિક નિયમોના અમલમાં ઝડપ અને પારદર્શિતા વધારવાની સાથે સમગ્ર ચલણ પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવાનો છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો