સમા વિસ્તારમાં કોમ્પલેક્સના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 19 વર્ષીય આરોપી ઝડપાયો; 298 બોટલ કબજે

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સમા નવી નગરી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય રાજવીર ઉર્ફે રાજુ સોભનસિંગ રાજપૂતને પોલીસે દારૂની 298 બોટલ સાથે ઝડપી લીધો છે. પોલીસે દારૂના જથ્થા સહિત મોપેડ અને કાર મળી કુલ રૂ.3.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અન્ય એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.મળતી માહિતી મુજબ, સમા પોલીસને બાતમી મળી હતી કે સમા નવી નગરીમાં રહેતો રાજવીર રાજપૂત અને સમા પૂનમનગર વિસ્તારમાં રહેતો પ્રેમ યાદવ કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને ઉર્મિ બ્રિજ સામે આવેલા અર્થ ઇયોન કોમ્પલેક્સના બેઝમેન્ટના પાર્કિંગમાં રાખે છે. બંને શખ્સો આ દારૂનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.બાતમીના આધારે સમા પોલીસની ટીમે અર્થ ઇયોન કોમ્પલેક્સના બેઝમેન્ટના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજવીર ઉર્ફે રાજુ સોભનસિંગ રાજપૂત, ઉંમર 19 વર્ષ, પોલીસને મળી આવ્યો હતો. પોલીસે તેની મોપેડની ડીકીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 19 બોટલ મળી આવી હતી.ત્યારબાદ પોલીસે પાર્કિંગમાં રાખેલી કારની તપાસ કરતાં કારમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર તપાસ દરમિયાન પોલીસે કુલ 298 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.91,654 છે, કબજે કરી હતી.પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક મોપેડ અને એક કાર સહિત કુલ રૂ.3.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે રાજવીર ઉર્ફે રાજુ રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવાતા પ્રેમ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.સમા પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો