દમણગંગા રિવરફ્રન્ટ પર સેલ્ફી લેતી 15 વર્ષીય કિશોરી નદીમાં ખાબકી, ડૂબી જતાં મોત; બીજા દિવસે લાશ મળી

સેલવાસ: સ્વાતંત્ર્ય પર્વની રજાના દિવસે પરિવાર સાથે ફરવા ગયેલી 15 વર્ષીય કિશોરી માટે સેલ્ફી લેવાની ઘેલછા જીવલેણ સાબિત થઈ હતી. સેલવાસના દમણગંગા રિવરફ્રન્ટ ખાતે ચેકડેમ નજીક સેલ્ફી લેતી વખતે કિશોરી અચાનક નદીના પાણીમાં ખાબકી હતી અને ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના લાશકરો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. જોકે, અંધારું થઈ જતાં રાત્રે શોધખોળ કામગીરી અટકાવવી પડી હતી. આજે રવિવારે સવારે ફરી શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન કિશોરીનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, મસાટ ગામે રહેતા જીતેન્દ્ર રામ તેમના પત્ની માધુરી, પુત્રી કાજલકુમારી (ઉંમર 15 વર્ષ) સહિત પરિવારના છ સભ્યો સાથે શનિવારે સ્વાતંત્ર્ય પર્વની રજાને પગલે સેલવાસના નક્ષત્ર ગાર્ડનમાં ફરવા ગયા હતા. નક્ષત્ર ગાર્ડનની મુલાકાત બાદ પરિવાર દમણગંગા રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યો હતો.દરમિયાન કાજલકુમારી ચેકડેમ નજીક મોબાઇલ ફોનમાં સેલ્ફી લઈ રહી હતી. અચાનક પગ લપસતાં તે નદીના પાણીમાં ખાબકી હતી અને જોતજોતામાં પાણીમાં ડૂબી ગઈ હતી. કિશોરી પાણીમાં ખાબકતાં પરિવારજનોમાં ચિંતા અને દોડધામ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના લાશકરો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાશકરોએ નદીમાં ઉતરી કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. જોકે, અંધારું થઈ જતાં સુરક્ષાના કારણોસર રાત્રિના સમયે શોધખોળ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.રવિવારે સવારે ફરીથી શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના લાશકરોની મહેનત બાદ કાજલકુમારીનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી અકસ્માતે મોત અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો