નસવાડી : નસવાડી તાલુકાના લિન્ડા ગામના સિંચાઈ તળાવમાંથી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે અંદાજે ₹1 કરોડ 19 લાખના ખર્ચે 3.5 કિલોમીટર લાંબી સિંચાઈ કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલ દ્વારા લિન્ડા સહિત આસપાસના ચારેક જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળવાનો હતો. પરંતુ પાણી છોડવામાં આવે તે પહેલાં જ નવી બનેલી કેનાલમાં ઠેર ઠેર તિરાડો, ગાબડાં અને પોપડા ઉખડી જવાના બનાવો સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએ કેનાલમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે કેટલીક જગ્યાએ કોંક્રિટના પોપડા પણ ઉખડી ગયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે યોગ્ય કામગીરી થઇ નથી સરકારનો હેતુ ખેડૂતોના ખેતરો સુધી સમયસર સિંચાઈનું પાણી પહોંચાડવાનો છે, પરંતુ કેનાલની હાલની સ્થિતિને કારણે ખેડૂતોને યોજનાનો લાભ મળતા પહેલાં જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લિન્ડા સહિત આસપાસના ગામોના ખેડૂતોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોની માંગ છે કે સમગ્ર કેનાલના કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે કેનાલનું સમારકામ કરીને ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ છે.આ મામલે સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે કેનાલમાં કેટલીક જગ્યાએ તિરાડો પડી છે. જોકે, કામની ગુણવત્તા યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.જોકે, આ નિવેદન બાદ પણ ખેડૂતોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો પાણીના વહન માટે બનાવવામાં આવતી કેનાલ ભારે વરસાદ પણ સહન ન કરી શકે, તો આવી કેનાલો લાંબા ગાળે કેટલો સમય ટકી શકશે? તેવો પ્રશ્ન હવે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.હાલ ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે કેનાલમાં પડેલી તિરાડો અને ગાબડાંનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને રાહ જોવાતી સિંચાઈ યોજનાનો લાભ સમયસર ખેડૂતો સુધી પહોંચે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે