છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી

બોડેલી : યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ-નગારાં અને પરંપરાગત વાદ્યોના તાલે નાચગાન સાથે રેલીમાં જોડાયા હતા. વિવિધ સ્થળોએ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી જાહેર સભાઓ યોજાઈ હતી

9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત વાદ્યોના તાલે નાચગાન કરતા રેલીમાં જોડાયા હતા. ત્યારબાદ જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલી જાહેર સભામાં આદિવાસી સમાજને મળેલા બંધારણીય અધિકારો અને હક્કો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ, જેતપુર પાવી, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા હતા. વિશ્વ આદિવાસી દિવસની રેલી દરમિયાન સામાજિક એકતાનો પણ સુંદર સંદેશ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજ અને બારીયા સમાજના આગેવાનો દ્વારા લીંબુ શરબત, ચા અને નાસ્તાના સ્ટોલ ઉભા કરી રેલીમાં જોડાયેલા લોકોને સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે ભાઈચારા અને સામાજિક એકતાનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાની ઝલક જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા કાર્યક્રમોમાં આદિવાસી સમાજના હક્કો અને બંધારણીય અધિકારો અંગે પણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો