ડાંગ: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 8થી 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને સાહસિક પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે. મહોત્સવ દરમિયાન દેશના વિવિધ રાજ્યોના કલાકારો સાથે ડાંગના સ્થાનિક કલાકારો પોતાની પરંપરાગત કલા અને સંસ્કૃતિ રજૂ કરશે. ગુજરાતના 110થી વધુ તથા અન્ય રાજ્યોના 300થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે ડાંગી પરંપરાગત નૃત્ય સહિત વિવિધ લોકનૃત્યોની રંગારંગ રજૂઆત કરવામાં આવી હતી.
પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો
ફેસ્ટિવલમાં પ્રવાસીઓ માટે આર્ટ વિલેજ, નેચર ટ્રેઇલ, ક્રાફ્ટ અને આદિવાસી કલા વર્કશોપ, રેઇન ડાન્સ, સેલ્ફી પોઈન્ટ અને બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સાહસિક પ્રવૃત્તિઓનો પણ પ્રવાસીઓ આનંદ માણી શકશે.
ડાંગી વાનગીઓ અને સ્થાનિક હસ્તકલાનું આકર્ષણ
મહોત્સવમાં પ્રવાસીઓ પરંપરાગત ડાંગી વાનગીઓનો સ્વાદ માણી શકશે અને સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓની ખરીદી પણ કરી શકશે. આવા સ્ટોલથી સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને રોજગારી તથા આવકની તકો મળશે.
પ્રવાસનને મળશે વેગ
ગત વર્ષે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે 2.61 લાખ પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા હતા. આ વર્ષે પણ ચોમાસાની હરિયાળી અને ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમોને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તેવી શક્યતા છે. ફેસ્ટિવલથી હોટેલ, પરિવહન, માર્ગદર્શકો, કારીગરો અને સ્થાનિક વેપારીઓને પણ આર્થિક લાભ મળવાની અપેક્ષા છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે