ગાંધીનગર: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય બન્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 10થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ હાલમાં એકસાથે મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જેવી ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
10થી 12 ઓગસ્ટ દરમિયાન ભારે પવન સાથે વરસાદ
આગામી ત્રણ દિવસ દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદને પગલે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે.
છોટાઉદેપુર સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ
11 ઓગસ્ટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ફરી ભારે વરસાદની આગાહી થતાં નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
13થી 15 ઓગસ્ટે કેવું રહેશે હવામાન?
13થી 15 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે