
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો સાથે નગરજનોમાં જોવા મળ્યો ઉત્સાહ, કલેક્ટર ગાર્ગી જૈને એક પછી એક ત્રણ દેશભક્તિના ગીતો રજૂ કરી માહોલ દેશભક્તિમય બનાવ્યો
છોટા ઉદેપુર: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ છોટા ઉદેપુર ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતો ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવાના આ કાર્યક્રમમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

દેશપ્રેમથી ઓતપ્રોત ગીતો સાંભળીને ઉપસ્થિત નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ સ્થળે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી.આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન બન્યા હતા. કલેક્ટર ગાર્ગી જૈને માત્ર કાર્યક્રમમાં ઉપસ્થિતિ જ નહીં પરંતુ પોતે દેશભક્તિના ગીતોની રજૂઆત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે એક પછી એક ત્રણ દેશભક્તિના ગીતો ગાતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કલેક્ટર ગાર્ગી જૈનના ગીતો દરમિયાન ઉપસ્થિત નગરજનો દ્વારા પણ તાળીઓના ગડગડાટ સાથે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અધિકારી તરીકેની જવાબદારી નિભાવવાની સાથે કલેક્ટરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બની દેશપ્રેમની લાગણી વ્યક્ત કરતાં ઉપસ્થિત લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર એક રાષ્ટ્રીય પર્વ તરીકે નહીં પરંતુ દેશ માટે બલિદાન આપનારા શહીદોને યાદ કરવાનો અને નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવાનો અવસર છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલા ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમમાં શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિને કારણે છોટા ઉદેપુરમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઉત્સવ અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમના અંત સુધી સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી છવાયેલી જોવા મળી હતી.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે