સંખેડામાં આન, બાન અને શાન સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન અને શાન સાથે કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીએ પોલીસ પરેડની સલામી સ્વીકારી હતી.

સ્વાતંત્ર્ય પર્વના આ પાવન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ડૉ. મનીષાબેન વકીલે દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અનેક વીર સપૂતોની શહાદત અને બલિદાનના પરિણામે દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે. આજે દેશની પ્રગતિ અને વિકાસમાં દરેક નાગરિકની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

મંત્રી મનીષાબેન વકીલે છોટાઉદેપુર જિલ્લાના વિકાસની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આશરે 13 વર્ષ અગાઉ છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લામાંથી અલગ થઈ સ્વતંત્ર જિલ્લો બન્યો છે અને ત્યારથી જિલ્લામાં વિકાસની વિવિધ દિશાઓમાં સતત પ્રગતિ થઈ રહી છે.

તાજેતરમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આશરે રૂ. 17.5 કરોડનું રોકાણ આવ્યું છે. આ રોકાણથી જિલ્લામાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

છોટાઉદેપુરની આગવી ઓળખ સમાન સંખેડાનું પરંપરાગત ફર્નિચર, પીઠોરા ચિત્રકળા તેમજ કસોટા લેન્ડ લૂમ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત કૌશલ્યને પ્રોત્સાહન આપીને તેને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જિલ્લામાં શ્રેષ્ઠ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મનિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંખેડા તાલુકાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા માટે તાલુકા વિકાસ અધિકારીને રૂ. 25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની લાગણી જોવા મળી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો અને રંગારંગ ઝાંખીઓએ ઉપસ્થિત સૌમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો