ગુજરાતમાં ફરી મેઘમહેર! 21 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી, 16મીએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સહિત દેશના વિવિધ ભાગોમાં સક્રિય હવામાની સિસ્ટમો વચ્ચે હવામાન વિભાગે 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 16 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લામાં વરસાદ સાથે 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ સાથે પવનની ગતિ વધવાની પણ શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં રહેલું લો-પ્રેશર યથાવત છે. તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી આશરે 4.5 કિ.મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. જોકે આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે.બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ ભારતના હવામાન પર જોવા મળી રહી છે.આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં 5.8થી 7.6 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. તેના પ્રભાવથી આગામી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે.

રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મિ.મી. એટલે કે 73.86 ટકા વરસાદ નોંધાયો છે. પ્રદેશવાર જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.94 ટકા અને સૌરાષ્ટ્રમાં 55.45 ટકા વરસાદ નોંધાયો છે.રાજ્યના કુલ 233 તાલુકાઓમાંથી 36 તાલુકાઓમાં 1,000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 87.59 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 65.55 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમાંથી 27 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે.જળસંગ્રહની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 40 ડેમોને હાઈ એલર્ટ, 6 ડેમોને એલર્ટ અને 12 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

દરિયામાં ભારે કરંટ અને પવનની શક્યતાને પગલે હવામાન વિભાગે માછીમારોને 15થી 17 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે.આગામી દિવસોમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિમાં થતા ફેરફારને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધઘટ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો