અમદાવાદમાં રૂ.155 કરોડનો ‘હેરિટેજ ટેમ્પલ સર્કિટ’ પ્રોજેક્ટ: સાબરમતી કિનારે મંદિરો, ઘાટ અને હેરિટેજ સ્થળો બનશે આકર્ષણનું કેન્દ્ર

વિશ્વ ધરોહર શહેર તરીકે ઓળખાતા અમદાવાદના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વધુ લોકપ્રિય બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરાયું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે અંદાજે રૂ.155 કરોડના ખર્ચે ભવ્ય ‘હેરિટેજ ટેમ્પલ સર્કિટ’ વિકસાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટમાં સપ્તર્ષિના આરાથી લઈને અટલબ્રિજ સુધીના પૂર્વ કિનારાના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિકાસકાર્યને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત નદીકાંઠાના પ્રાચીન મંદિરો, ઘાટ અને ઐતિહાસિક સ્થળોના જીર્ણોદ્ધાર સાથે સમગ્ર વિસ્તારનું આકર્ષક બ્યુટિફિકેશન કરવામાં આવશે.

માસ્ટર પ્લાન મુજબ સપ્તર્ષિના આરા નજીક અત્યાધુનિક હેરિટેજ સેન્ટર વિકસાવવામાં આવશે. અહીં અમદાવાદના પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક વારસાની મુલાકાતીઓને માહિતી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.આ ઉપરાંત શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વાહન પાર્કિંગની સમસ્યા દૂર કરવા મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી રિવરફ્રન્ટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં પણ મદદ મળશે.

પ્રોજેક્ટના બીજા અને ત્રીજા તબક્કામાં વસંત ચોક તથા અટલબ્રિજની સામે વિશાળ અને નયનરમ્ય ‘ટેમ્પલ પ્લાઝા’ વિકસાવવામાં આવશે. અહીં પ્રવાસીઓ માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને હેરિટેજ અનુભવને એકસાથે માણી શકાય તેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.સપ્તર્ષિ ઘાટથી અટલ ઘાટ સુધી આવેલા સદીઓ જૂના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોનું પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવી રાખીને જીર્ણોદ્ધાર અને વિકાસ કરવામાં આવશે.

‘હેરિટેજ ટેમ્પલ સર્કિટ’ પ્રોજેક્ટ સાકાર થતાં સાબરમતી નદીનો પૂર્વ કિનારો માત્ર ફરવા માટેનું સ્થળ નહીં રહે, પરંતુ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ, ઇતિહાસ અને હેરિટેજ ટુરિઝમનું મહત્વનું કેન્દ્ર બની શકે છે. અમદાવાદના પ્રાચીન વારસાને નવી પેઢી અને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં પણ આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો