બરોડા ડેરી ચૂંટણી : પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દિનુ મામા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકી રિપીટ

વડોદરા: વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (બરોડા ડેરી) ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે દિનેશ પટેલ (દિનુ મામા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકી રિપીટ કરાયા છે પ્રદેશ ભાજપના મેન્ડેટ બાદ બંનેના નામ પર મહોર વાગતાં ચૂંટણી પ્રક્રિયા સર્વાનુમતે પૂર્ણ થઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી.ચૂંટણી દરમિયાન ભાજપના નેતા બિપિન પટેલ મેન્ડેટ લઈને બરોડા ડેરી પહોંચ્યા હતા. લાંબા સમયથી ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હતો. બંને હોદ્દેદારોની પુનઃ વરણી થતાં ભાજપ સમર્થકો અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વરણી બાદ દિનેશ પટેલ (દિનુ મામા) અને જી.બી. સોલંકીનું ફૂલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો, ડિરેક્ટરો, દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ અને કાર્યકરોએ બંને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.નવનિયુક્ત ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે બરોડા ડેરીને વધુ મજબૂત બનાવવાની સાથે જિલ્લાના દૂધ ઉત્પાદક પશુપાલકોના હિતને સર્વોપરી રાખીને કામગીરી કરવામાં આવશે. સહકારી ચળવળને વધુ વેગ મળે અને ખેડૂતોને વધુ લાભ મળે તે માટે ટીમ પ્રતિબદ્ધ છે.ઉલ્લેખનીય છે કે બરોડા ડેરી વડોદરા જિલ્લાના હજારો દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સહકારી સંસ્થા છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની પુનઃ વરણી બાદ આગામી સમયમાં ડેરીના વિકાસ અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો