ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક આવેલા ગૌચરણ વિસ્તારમાં પશુ ચરાવી રહેલા એક પશુપાલક પર સાંજના સમયે સિંહે જીવલેણ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક સારવાર માટે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ટોડી ગામના રહેવાસી વિજયભાઈ બલિયા પોતાના માલઢોરને ગૌચરણ વિસ્તારમાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક સિંહે તેમના પશુ પર હુમલો કર્યો હતો. પોતાના પશુને બચાવવા માટે વિજયભાઈ નિર્ભયતાથી સિંહ સામે ઊભા રહ્યા અને પશુને સિંહના જડબામાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો.આ દરમિયાન સિંહ વધુ ઉગ્ર બની ગયો અને પશુને છોડીને સીધો વિજયભાઈ પર જ હુમલો કરી દીધો. સિંહના હુમલામાં તેમના હાથ, પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા અને હોબાળો કરતા સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો.સ્થાનિક લોકોએ તરત જ ઇજાગ્રસ્ત વિજયભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે.ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં સિંહની હિલચાલ અંગે નજર રાખવામાં આવી રહી છે તેમજ ગ્રામજનો અને પશુપાલકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભાવનગર અને ગીર પંથકને અડીને આવેલા વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. પશુઓ પર હુમલાની સાથે હવે માનવ પર પણ હુમલાની ઘટનાઓ વધતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે