નસવાડીના ખોડિયા ગામે મેણ નદીના પૂરે મચાવી તબાહી: 100 એકરથી વધુમાં કપાસ સહિતના પાકનો સફાયો, ખેડૂતોને લાખોનું નુકસાન

નસવાડી: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસાદ બાદ મેણ નદીમાં આવેલા પૂરના કારણે ખોડિયા ગામના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. નદીના પ્રવાહે અંદાજે 60 ફૂટ ઊંચા કાંઠા તોડીને પૂરના પાણી સીધા ખેતરોમાં ઘૂસી જતાં 100 એકરથી વધુ વિસ્તારમાં ઉભેલા કપાસ, મકાઈ, તુવર અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, આશરે એક ફૂટ ઊંચા થયેલા કપાસના છોડ પાણીના જોરદાર પ્રવાહ અને તેની સાથે આવેલા કાંપ-રેતીમાં દટાઈ ગયા હતા. અનેક ખેતરોમાં લગભગ બે ફૂટ જેટલો કાંપ જામી જતાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મહિનાઓની મહેનત અને ખર્ચ એક જ રાતમાં પાણીમાં વહી જતાં ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે.ખેડૂતોએ ખાતર, દવા, સિંચાઈ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો હતો. ઘણા ખેડૂતો દેવું કરીને વાવણી કરી હતી, પરંતુ પૂરના કારણે તેમની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને પ્રતિ એકર રૂ. 40 હજારથી 50 હજાર સુધીનું નુકસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે.ખેડૂત અગ્રણી અશ્વિન ભીલે સરકાર સમક્ષ તાત્કાલિક માંગણી કરતાં જણાવ્યું છે કે મેણ નદીના પટ્ટામાં આવેલા તમામ ગામોનો નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે તેમજ આગામી વાવણી માટે બિયારણ અને ખાતરની સહાય આપવામાં આવે.તેમણે વધુમાં જણાવ્યું કે મેણ નદીના કાંઠા મજબૂત કરવા કાયમી યોજના બનાવવાની જરૂર છે. સાથે જ પૂરના પાણી લાંબા સમય સુધી કેમ ભરાયેલા રહ્યા તેની પણ તપાસ થવી જોઈએ. જો પાણી ઝડપથી ઓસરી ગયા હોત તો નુકસાનનું પ્રમાણ ઘણું ઓછું રહેત.ઉલ્લેખનીય છે કે મેણ નદીના પટ્ટામાં નસવાડી તાલુકાના 50થી વધુ ગામો આવેલા છે અને ખોડિયા જેવી સ્થિતિ અન્ય ગામોમાં પણ સર્જાઈ હોવાની શક્યતા છે. ખેડૂતો દ્વારા જિલ્લા અને તાલુકા ખેતીવાડી વિભાગને તાત્કાલિક સર્વે હાથ ધરી રાજ્ય સરકારને અહેવાલ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો