બોડેલી નગર સહિત વિવિધ સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા

બોડેલી નગર સહિત સમગ્ર તાલુકામાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે બોડેલીની વિવિધ સરકારી, અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રની આન, બાન અને શાન જાળવવાનો સંકલ્પ લીધો હતો.

બોડેલી નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે નગરજનોને સ્વચ્છતા જાળવવા અને બોડેલી નગરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા નગરપાલિકાને સહયોગ આપવા અપીલ કરી હતી.

બોડેલી તાલુકાના પાટીયા ગામે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં કરવામાં આવી હતી. પાટીયા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટીયા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના કેળવાય તેમજ રાષ્ટ્રીય પર્વનું મહત્વ સમજાય તે માટે શાળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોડેલીની અગ્રગણ્ય શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગત ચોક્સીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા સંચાલક મંડળના આજીવન ટ્રસ્ટી તથા પ્રમુખ ભાવેશકુમાર શિરોલાવાલા, સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પ્રદીપભાઈ ચોક્સી સહિત પરિવારજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ જગત ચોક્સીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વના આ દિવસે દેશે આપણને શું આપ્યું તે વિચારવા કરતાં આપણે દેશ માટે શું કર્યું અને દેશને શું આપ્યું તે અંગે વિચારવું જોઈએ. તેમણે રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવા તેમજ દેશની એકતા અને અખંડિતતાની રક્ષા માટે સૌને આગળ આવવા અપીલ કરી હતીકાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જરૂરી શૈક્ષણિક સામગ્રી મળતાં વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બોડેલીની ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ. શાળા ખાતે પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ જોયસ પ્રી સ્કૂલ ખાતે ચાર્મીબેન મિલાપભાઈ ઠક્કરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જ્યારે બોડેલી કન્યા શાળા તથા કુમાર શાળા ખાતે બોડેલી નગરપાલિકાના દંડક પાર્થ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.અલીપુરાની નવજીવન હાઈસ્કૂલ તેમજ માય શાનેન સ્કૂલ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માય શાનેન સ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ લોકેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલ સહિતની અન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવતા કાર્યક્રમો યોજાયા હતા.માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં જ નહીં, પરંતુ બોડેલી પોલીસ સ્ટેશન અને સેવા સદન ખાતે પણ અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ દેશના ગૌરવ અને લોકશાહી મૂલ્યોને જાળવવાનો સંકલ્પ કર્યો હતો.

આ ઉપરાંત 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે માકણી પ્રાથમિક શાળા ખાતે એયુ સ્મોલ ફાઇનાન્સ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એયુ સ્મોલ ફાઇનાન્સના કસ્ટમર સર્વિસ મેનેજર રિકીન પંચોલી, મની ઓફિસર સાજીદ ખત્રી તેમજ સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરી શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આમ, બોડેલી નગર અને સમગ્ર તાલુકામાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજને સલામી, દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર બોડેલી પંથકમાં દિવસભર દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો