છોટાઉદેપુર અને બોડેલીમાં ખાંડની સંગ્રહખોરીને લઈ પુરવઠા તંત્ર એક્શનમાં, કરિયાણાના વેપારીઓના ત્યાં તપાસ

છોટાઉદેપુર જિલ્લામાં ખાંડની સંભવિત સંગ્રહખોરીને અટકાવવા માટે પુરવઠા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પુરવઠા વિભાગ તેમજ સ્થાનિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા છોટાઉદેપુર અને બોડેલી વિસ્તારમાં કરિયાણાના વેપારીઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પુરવઠા વિભાગના અધિકારીઓએ વેપારીઓ પાસે ઉપલબ્ધ ખાંડના જથ્થાની તપાસ કરી હતી. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટોક લિમિટનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની પણ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.છોટાઉદેપુર શહેરમાં ચારથી વધુ કરિયાણાના વેપારીઓના ત્યાં તપાસ કરવામાં આવી હતી, જ્યારે બોડેલીમાં પણ બે કરતાં વધુ વેપારીઓના ત્યાં પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વેપારીઓ પાસે રહેલા ખાંડના સ્ટોક સહિત જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી.પુરવઠા તંત્ર દ્વારા વેપારીઓને 2000 ક્વિન્ટલથી વધુ ખાંડનો સંગ્રહ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ વેપારી દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટોક લિમિટ કરતાં વધુ જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોય તો તેના સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે. ખાંડના જથ્થાને લઇ પુરવઠા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વેપારીઓના ત્યાં તપાસ અને સ્ટોક લિમિટની ચકાસણીની કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીએ મીડિયા સમક્ષ જણાવ્યું છે ખાંડની સંગ્રહખોરી અટકાવવા માટે પુરવઠા તંત્ર સક્રિય બનતાં કરિયાણાના વેપારીઓમાં પણ સતર્કતા જોવા મળી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો