દ્વારકાધીશના દર્શને જતાં ભક્તો માટે ખુશખબર : 3 દિવસ દોડશે ગાંધીનગર-દ્વારકા અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન

જન્માષ્ટમી પર્વ દરમિયાન દ્વારકાધામમાં દ્વારકાધીશના દર્શન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ દર્શનાર્થે જતાં યાત્રિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બને તે માટે ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ અનારક્ષિત ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09521/09522 ગાંધીનગર કેપિટલ-દ્વારકા અનારક્ષિત જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન આગામી 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 દરમિયાન બંને દિશામાં દોડાવવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન આ સ્પેશિયલ ટ્રેન કુલ 6 ફેરા કરશે.ખાસ વાત એ છે કે આ ટ્રેનના તમામ કોચ જનરલ કેટેગરીના અનારક્ષિત રાખવામાં આવ્યા છે. જેના કારણે શ્રદ્ધાળુઓને અગાઉથી રિઝર્વેશન કરાવવાની જરૂર રહેશે નહીં અને તેઓ તાત્કાલિક ટિકિટ મેળવી સરળતાથી મુસાફરી કરી શકશે.ટ્રેન નંબર 09521 ગાંધીનગર કેપિટલ-દ્વારકા સ્પેશિયલ ટ્રેન ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચશે. રાત્રિ દરમિયાન મુસાફરી કરીને સવારે દ્વારકાધામ પહોંચવાની સુવિધા મળતા અમદાવાદ, ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી જન્માષ્ટમી પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જતાં ભક્તો માટે આ ટ્રેન ખૂબ જ અનુકૂળ વિકલ્પ બની રહેશે.પરત મુસાફરી માટે ટ્રેન નંબર 09522 દ્વારકા-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડશે અને સાંજે 5:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે.યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં અનેક મહત્ત્વના સ્ટેશનો પર રોકાણ કરશે. ટ્રેન ચાંદલોડિયા બી, આંબલી રોડ, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સહિતના સ્ટેશનો પર રોકાશે.આ સ્ટોપેજના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના શ્રદ્ધાળુઓને દ્વારકાધામ સુધી પહોંચવામાં મોટી સુવિધા મળશે. જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકાધીશના દર્શન માટે જતાં હજારો ભક્તો માટે પશ્ચિમ રેલવેની આ વિશેષ ટ્રેન વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી અને રાહતરૂપ સાબિત થશે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો