પંચમહાલ: મધ્યપ્રદેશના ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે પંચમહાલમાં શોકની લહેર ફેલાવી દીધી છે. મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહેલા પંચમહાલના 6 યુવાનોની કારને પંચકવાસા નજીક રોંગ સાઈડથી આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ છ યુવાનોના કરુણ મોત થયા હતા.ગત રવિવારે બપોરે સર્જાયેલા આ અકસ્માત બાદ મોડી રાત્રે તમામ મૃતદેહોને તેમના વતન લાવવામાં આવ્યા હતા. આજે સોમવારે પરિવારજનો, સગાસંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં છેય મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એકસાથે છ યુવાનોની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
રોંગ સાઈડથી આવેલા ટ્રકે લીધો છ યુવાનોનો ભોગ
મળતી માહિતી મુજબ, યુવકો ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કર્યા બાદ ઈકો કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા. દરમિયાન પંચકવાસા નજીક લોખંડનો સામાન ભરેલો ટ્રક રોંગ સાઈડથી આવી રહ્યો હતો. ટ્રક અને ઈકો કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ યુવકો અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છ પરિવારો પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
મૃતકોમાં મયુર ઉર્ફે મિતેશ પ્રકાશભાઈ ચૌહાણ (23), દિપક મુકેશભાઈ બારિયા (26), વિમલભાઈ મુકેશભાઈ સોલંકી (33), વિશાલ રમેશભાઈ પરમાર (30), પરેશ શૈલેશભાઈ બારિયા (29) અને રાકેશ ભુપતભાઈ મકવાણાનો (26) સમાવેશ થાય છે.મૃતક રાકેશના લગ્નને હજુ પાંચ મહિના જ થયા હતા. જ્યારે પરેશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને ત્રણ વર્ષનું સંતાન છે. મૃતક વિશાલ પરમારને પણ પાંચ વર્ષનો પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી છે. યુવાનોના અકાળે મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.છ યુવાનોની એકસાથે નીકળેલી અંતિમયાત્રાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો. અંતિમ વિદાય સમયે પરિવારજનોની આંખોમાં આંસુ અને વાતાવરણમાં ભારે ગમગીની જોવા મળી હતી.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે