અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોલા, પ્રહલાદનગર, જોધપુર અને આણંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી હતી અને વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.હવામાન વિભાગે 11 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે રાજ્યના 13 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, બોટાદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે.આ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવી ગાજવીજ અને 41 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપના પવન સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદનો દર આશરે 5થી 15 મિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં સવારે ધોધમાર વરસાદ
અમદાવાદમાં સવારે 6થી 10 વાગ્યા દરમિયાન કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. કઠવાડામાં 2.22 ઈંચ, હંસપુરામાં 1.52 ઈંચ, ઓઢવ ડ્રેનેજ પંપિંગમાં 1.20 ઈંચ અને નિકોલમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો હતો.વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, વાહનવ્યવહારને અસર થવા, ગટર ઓવરફ્લો થવા તેમજ ભારે પવનને કારણે વૃક્ષો કે હોર્ડિંગ્સ પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે