ગુજરાતમાં મેઘમહેરઃ 94 તાલુકામાં વરસાદ, શહેરા-કોઠંબામાં 5-5 ઈંચ ખાબક્યો

મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓ માટે યલો એલર્ટ; મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ

ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન મંગળવારે (11 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરા અને મહીસાગરના કોઠંબામાં 5-5 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદી-નાળા અને કોતરોમાં પણ પાણીની આવક વધી છે.

આ તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ

મહીસાગરના લુણાવાડામાં 2.68 ઈંચ અને બાલાસિનોરમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના દહેગામમાં 2.09 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 2.05 ઈંચ વરસાદ ખાબક્યો છે.આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં 1.57 ઈંચ વરસાદ નોંધાયો છે.

અનેક તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

રાજ્યના વિવિધ તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. ખેડાના કપડવંજ, દાહોદના સંજેલી, ગાંધીનગરના કલોલ અને દાહોદના સુખસર સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.બીજી તરફ અમદાવાદ શહેર, વલસાડના કપરાડા, દાહોદ, છોટાઉદેપુર, અરવલ્લીના બાયડ સહિતના 80 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત

હાલમાં મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો