ગુજરાતમાં ભારે વરસાદ બાદ રાહત: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે, વરસાદી માહોલ હજુ યથાવત રહેશે. ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી તાજેતરની આગાહી મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમદાવાદ શહેર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. આજે અમદાવાદમાં દિવસભર મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળવાની શક્યતા ઓછી છે.હવામાન નિષ્ણાત એ. કે. દસના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના છે. હાલમાં રાજ્ય પર ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં, અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો અને સ્થાનિક હવામાની પરિબળોના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે.બીજી તરફ, વરસાદી વાતાવરણ વચ્ચે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ભેજનું પ્રમાણ ઊંચું રહેવાના કારણે કેટલાક વિસ્તારોમાં ઉકળાટનો પણ અનુભવ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં અંદાજે 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક જળાશયો અને ડેમોમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હળવાથી મધ્યમ વરસાદના કારણે કૃષિ પાકને ફાયદો થવાની સાથે વાતાવરણ પણ ખુશનુમા રહેવાની સંભાવના છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો