ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ. બોડેલીમાં NDRFની તાલીમ, વિદ્યાર્થીઓએ શીખ્યા જીવનરક્ષક કૌશલ્યો

બોડેલીમાં વિદ્યાર્થીઓને આપત્તિના સમયે સ્વબચાવ અને અન્ય લોકોના જીવનનું રક્ષણ કરવા માટે જરૂરી જીવનરક્ષક કૌશલ્યોની તાલીમ આપવામાં આવી હતી. ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ. બોડેલી ખાતે NDRFની 17 સભ્યોની ટીમ દ્વારા વિશેષ આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિર યોજાઈ હતી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ભૂકંપ, પૂર, આગ, અકસ્માત તેમજ હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં શું કરવું અને કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે બોડેલીની ખત્રી વિદ્યાલય અને એમ.ડી.આઈ. ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRFના કમાન્ડર ઇન્સ્પેક્ટર મનજીતની આગેવાની હેઠળ 17 સભ્યોની ટીમ શાળામાં પહોંચી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા NDRFના જવાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન NDRFના નિષ્ણાત જવાનોએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. માત્ર થિયરી પૂરતી નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા પણ સમજ આપવામાં આવી હતી.ભૂકંપ જેવી કુદરતી આપત્તિ દરમિયાન ગભરાઈ જવાને બદલે સૌપ્રથમ પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી, કઈ જગ્યાએ આશરો લેવો અને જોખમી પરિસ્થિતિમાંથી સુરક્ષિત રીતે બહાર કેવી રીતે નીકળવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત અકસ્માત અથવા હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિમાં વ્યક્તિનો જીવ બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કટોકટીના સમયે સમયસર મદદ મળે ત્યાં સુધી પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની સમજ આપવામાં આવી હતી.ચોમાસાની સિઝનમાં પૂર કે નદીના પાણીના પ્રવાહમાં ફસાઈ જવાની સ્થિતિ સર્જાય ત્યારે શું સાવચેતી રાખવી, પાણીના તેજ પ્રવાહથી કેવી રીતે બચવું અને બચાવ કામગીરી દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ NDRFની ટીમે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી.શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર આગ લાગવાની ઘટના બને ત્યારે ગભરાયા વિના સલામત રીતે બહાર નીકળવાની રીત, આગથી બચવાના ઉપાયો અને ફાયર સેફ્ટીના નિયમો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ NDRFના જવાનો સાથે વિવિધ પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેના કારણે વિદ્યાર્થીઓમાં આપત્તિના સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપન તથા બચાવ કામગીરીને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. NDRFના ટીમ કમાન્ડર અને નિષ્ણાત જવાનોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સરળ ભાષામાં જવાબો આપી તેમની જિજ્ઞાસાને સંતોષી હતી.શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ NDRFની ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આવી વ્યવહારુ તાલીમ આપવી આજના સમયમાં અત્યંત જરૂરી છે. આપત્તિ ક્યારે અને કયા સ્વરૂપે આવે તે કહી શકાય નહીં, ત્યારે વિદ્યાર્થીઓ પાસે જીવન બચાવવાના મૂળભૂત કૌશલ્યો હોય તો તેઓ પોતાની સાથે અન્ય લોકોની પણ મદદ કરી શકે છે.અંતે શાળાના શિક્ષક એમ.એમ. ઠાકોર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સમાપન થયું હતું. NDRFની આ તાલીમથી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ સાથે જીવનરક્ષક કૌશલ્યોનો પણ વિકાસ થયો હતો.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો