કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી એક વખત પોતાના ગૃહરાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ ધાર્મિક કાર્યક્રમો સહિતના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.અમિત શાહનું 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેઓ ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ ખાતે પહોંચશે. અહીં તેઓ નવનિર્મિત પાઇપલાઇન અને ભૂમિગત પાણીની ટાંકી સહિતની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલીનું વિધિવત લોકાર્પણ કરશે.ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમિત શાહ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે, જ્યાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે.ગાંધીનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કાળી રોડ સ્ટેશન નજીક પહોંચશે. અહીં લોકોમોટિવ રેલવે એન્જિનના રખરખાવ માટે પીપીપી મોડેલ આધારિત તૈયાર કરવામાં આવેલા વેગન-12 મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કરશે.આ સાથે તેઓ સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે તેમજ દેશની પ્રથમ એલએનજી ટ્રેનને પ્રસ્થાન કરાવશે.વિકાસકાર્યોના વિવિધ કાર્યક્રમો બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં પણ સહભાગી થશે. તેઓ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.જન્માષ્ટમીના પાવન અવસરે અમિત શાહ ભક્તિભાવપૂર્વક દર્શન અને મહોત્સવમાં ભાગ લેશે. મધરાતે 12 વાગ્યા સુધી જન્માષ્ટમીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ રાત્રે જ દિલ્હી જવા રવાના થવાના કાર્યક્રમની માહિતી મળી રહી છે.અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસકાર્યો, રેલવે પ્રોજેક્ટ્સ અને ધાર્મિક કાર્યક્રમો સહિતના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાનાર હોવાથી તેમનો આ પ્રવાસ ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે