છોટાઉદેપુરમાં LCBની મોટી કાર્યવાહીઃ ઇનોવા કારમાંથી ₹3.96 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપાયો

છોટાઉદેપુર :દારૂબંધીના કાયદાના કડક અમલના ભાગરૂપે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની ટીમે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી એક ઇનોવા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરને બાતમી મળી હતી કે, અંબાલા ગામ તરફથી છોટાઉદેપુર તરફ એક ઇનોવા કારમાં ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે LCBની ટીમે સુરખેડા ગામ નજીક વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમીવાળી ઇનોવા કાર નંબર GJ-01-WJ-8172 ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે પોલીસને જોઈ કાર ઊભી રાખવાને બદલે ઝડપથી છોટાઉદેપુર તરફ હંકારી મૂકી હતી. જેથી LCBની ટીમે કારનો પીછો શરૂ કર્યો હતો.પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતાં કારચાલકે ડોન બોસ્કો બ્રિજ નજીક કાર રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને અંધારાનો લાભ લઈ કાર છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં કારની ડિક્કી તેમજ વચ્ચેની સીટના ભાગે રાખવામાં આવેલા કાગળના બોક્સમાંથી મોટી માત્રામાં બિયર અને વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી કુલ 1,456 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂ-બિયરની અંદાજિત કિંમત ₹3,96,832 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે આશરે ₹10 લાખની કિંમતની ઇનોવા કાર પણ કબજે કરી છે.આમ, પોલીસે દારૂ-બિયર તથા ઇનોવા કાર સહિત કુલ ₹13,96,832નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ સમગ્ર મામલે છોટાઉદેપુર પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા માટે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો