ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે દિલ્હી જશે. બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટીની વિવિધ મહત્વપૂર્ણ સંગઠન બેઠકોમાં હાજરી આપશે. નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત બાદ નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે પ્રથમ વખત પરિચય બેઠક યોજાવા જઈ રહી છે.સવારે 10 વાગ્યે યોજાનારી બેઠકમાં ભાજપના નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપરાંત તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી હાજર રહેશે. ભાજપ શાસિત રાજ્યોમાંથી સરકારના એક પ્રતિનિધિને પણ બેઠકમાં સામેલ કરવામાં આવશે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજરી આપશે.બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે આગામી કાર્યક્રમોની તૈયારીઓને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો સહિત ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ હાજર રહેવાની શક્યતા છે.દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારા કાર્યક્રમો, સંગઠનાત્મક આયોજન અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા થવાની છે.આ ઉપરાંત સાંજે 6 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાજ્યોના સંગઠન સાથે બેઠક કરશે. જેમાં પ્રદેશ અધ્યક્ષો તથા અન્ય સંગઠન પદાધિકારીઓ સાથે વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.નવી રાષ્ટ્રીય ટીમની રચના બાદ યોજાનારી આ બેઠકોને ગુજરાત ભાજપના સંગઠન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતના સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે