નડાબેટ બોર્ડર પર જવાનો સાથે ગેનીબેન ઠાકોરે ઉજવ્યું રક્ષાબંધન, રાખડી બાંધી વધાવ્યો ઉત્સાહ

આજે સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીના પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધીને તેમના સુખાકારી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે દેશની સરહદો પર રહીને દેશવાસીઓની સુરક્ષા કરનારા જવાનો માટે પણ આ પર્વ ખાસ રીતે ઉજવવામાં આવ્યું હતું.બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે સુઈગામ તાલુકાના નડાબેટ બોર્ડર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સરહદ પર ફરજ બજાવી રહેલા દેશના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.દેશમાં જ્યારે દરેક પરિવાર પોતાના ભાઈ-બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યો છે, ત્યારે દેશના જવાનો પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને સરહદ પર દેશની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. તહેવાર હોય કે સામાન્ય દિવસ, જવાનો પોતાની ફરજને સર્વોપરી રાખીને દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યા છે.આ જવાનોનો ઉત્સાહ વધારવા અને તેમની સાથે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવા માટે ગેનીબેન ઠાકોર નડાબેટ બોર્ડર પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જવાનોને રાખડી બાંધી હતી અને મોઢું મીઠું કરાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.રક્ષાબંધનના આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે જવાનો સાથે વાતચીત કરી હતી અને તેમની ફરજ તેમજ તેમની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. પરિવારથી દૂર રહી દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો સાથે સમય વિતાવી સાંસદે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.નડાબેટ પહોંચેલા સાંસદ ગેનીબેન ઠાકોરે માં નડેશ્વરી માતાજીના મંદિરે પણ દર્શન કરી દેશની સરહદોની રક્ષા કરી રહેલા જવાનોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ ઉપરાંત તેમણે જવાનો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા. જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સાંસદે તેમની સાથે ચર્ચા કરી હતી.ગેનીબેન ઠાકોર સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ નડાબેટ બોર્ડર ખાતે પહોંચ્યા હતા.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ સરહદ પર ફરજ બજાવતા જવાનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની સુરક્ષા માટે તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

‘જવાનો સાથે રક્ષાબંધન ઉજવવાનો મોકો મળ્યો

ગેનીબેન ઠાકોરઆ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “રક્ષાબંધન પર્વ પર આજે દેશની રક્ષા કરતા જવાનો સાથે રક્ષાબંધન ઉજવવાનો મોકો મળ્યો છે. નડાબેટ ખાતે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જવાનોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે અને દેશની રક્ષા કરતા આ જવાનોની સલામતી તથા સુખાકારી માટે માં નડેશ્વરી માતાજી સમક્ષ પ્રાર્થના કરવામાં આવી છે.”નડાબેટ બોર્ડર પર યોજાયેલી આ રક્ષાબંધનની ઉજવણીમાં દેશની રક્ષા કરનારા જવાનો પ્રત્યે સન્માન અને લાગણીની ભાવના જોવા મળી હતી. પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની સુરક્ષા કરતા જવાનોને રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને ગેનીબેન ઠાકોરે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ સાથે દેશસેવા માટે જવાનોના યોગદાનને પણ સલામ કરી હતી.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો