હવે ગોબરથી થશે કમાણી! કેન્દ્ર સરકારે ‘ગોબરધન’ યોજનાને આપી મંજૂરી, ખેડૂતોને મળશે વધારાની આવક

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ‘ગોબરધન (GOBARdhan)’ – નેશનલ સર્ક્યુલર બાયોએનર્જી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના માટે કુલ ₹23,731 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. યોજનાનો મુખ્ય હેતુ ગાય-ભેંસના ગોબર, કૃષિ અવશેષ અને અન્ય જૈવિક કચરામાંથી બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG)નું ઉત્પાદન વધારવાનો છે. આ યોજના હેઠળ દેશભરમાં બાયોગેસ અને CBG પ્લાન્ટ સ્થાપવા પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો ગોબર અને ખેતીના જૈવિક કચરાનું વેચાણ કરીને વધારાની આવક મેળવી શકશે. સાથે જ ગામડાઓમાં સ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન વધશે, રસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટશે અને જૈવિક ખાતરના ઉપયોગને પણ પ્રોત્સાહન મળશે. સરકારનું માનવું છે કે આ યોજના ખેડૂતોની આવકમાં વધારો કરવા ઉપરાંત પર્યાવરણનું સંરક્ષણ, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને હરિત ઊર્જાના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે. બાયોગેસ ઉત્પાદનથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે અને ગ્રામિણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો