જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ નજીક આવેલી નંદન નિકેતન ટાઉનશીપમાં ચોરીની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીના ક્વાર્ટરને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લોખંડના કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીની ચીજવસ્તુઓ અને રોકડ મળી કુલ ₹4.58 લાખની માલમતા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી નીતિનભાઈ યશવંતભાઈ દીક્ષિત (ઉં.વ.54) નયારા એનર્જી લિમિટેડમાં ઓપરેશન વિભાગમાં સિનિયર મેનેજર તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવે છે. કંપની તરફથી તેમને નંદન નિકેતન ટાઉનશીપમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે. જોકે, બાળકોના અભ્યાસને કારણે તેમનો પરિવાર છેલ્લા ચાર મહિનાથી જામનગરના પંચવટી સર્કલ નજીક આવેલા સફલ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહે છે અને રજાના દિવસોમાં નંદન નિકેતનના ક્વાર્ટરે આવતો-જતો હતો.ફરિયાદ મુજબ, ક્વાર્ટરની ચાવી પરિવાર ઉપરાંત એક ઓળખીતા વ્યક્તિના ઘરે પણ રાખવામાં આવતી હતી. તેમજ છેલ્લા સાત વર્ષથી ઘરકામ માટે આવતી મહિલા બપોરના સમયે ક્વાર્ટરમાં સફાઈ કરવા આવતી હતી.16 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી નીતિનભાઈ પરિવાર સાથે નંદન નિકેતનના ક્વાર્ટરે આવ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે મકાનને તાળું મારી પરિવાર સાથે જામનગરના ફ્લેટે પરત ફર્યા હતા.બીજા દિવસે સવારે ટાઉનશીપમાં સામે રહેતા હિતેશભાઈ પટેલે ફોન કરીને ક્વાર્ટરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાવ્યું હતું. જેથી નીતિનભાઈ પત્ની સાથે તાત્કાલિક ક્વાર્ટરે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો.ચોરીની જાણ થતાં ટાઉનશીપના સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત પોલીસ લાયઝન અધિકારી અને કંપનીની ડોગ સ્કવોડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા ક્વાર્ટરની તપાસ હાથ ધરવામાં આવી હતી.ઘરની અંદર તપાસ કરતાં રૂમોના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. એક લોખંડના કબાટમાંથી સોનાની બે ચેન, બુટ્ટી, લોકેટ, વીંટીઓ, ગળાનો સેટ, ચાર સોનાની બંગડીઓ, મંગલસૂત્ર, નાકના સોનાના દાણા, તેમજ ચાંદીના ઝાંઝર, ત્રણ કટોરી અને દીવો સહિત ₹13 હજારની રોકડ મળી મોટી માત્રામાં માલમતા ગાયબ હોવાનું સામે આવ્યું હતું.આ ઉપરાંત બીજા રૂમના કબાટમાંથી ફરિયાદીની પુત્રીની સોનાની બે બુટ્ટી અને નાકનો સોનાનો દાણો પણ ચોરાઈ ગયો હતો. ફરિયાદી મુજબ, ચોરી ગયેલા સોના-ચાંદીના મોટા ભાગના દાગીના લગ્ન પ્રસંગના હોવાથી તેમના બિલ હાલમાં ઉપલબ્ધ નથી અને બિલ મળ્યા બાદ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવશે.ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરોએ ઘરમાં રાખેલા લેપટોપ અને બે આઇફોનને હાથ પણ લગાવ્યો ન હતો, જ્યારે કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ પર હાથ સાફ કર્યો હતો.દરમિયાન ક્વાર્ટરમાં સફાઈ માટે આવતી કામવાળી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, અગાઉના દિવસે બપોરે આશરે 1 વાગ્યે તે ઘરકામ કરીને દરવાજો લોક કરી નીકળી ગઈ હતી. તે સમયે ઘરમાં બધું વ્યવસ્થિત હતું.સમગ્ર ઘટનાને પગલે નીતિનભાઈ દીક્ષિતે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ચોરીની ઘટનામાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.

જાણશે ગુજરાત એક વિશ્વસનીય સાપ્તાહિક અખબાર અને ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, ગુજરાતના તાજા સમાચાર અને મહત્વપૂર્ણ અપડેટ્સ માટેનું તમારું વિશ્વસનીય માધ્યમ છે.અમે રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, વિકાસ, સ્થાનિક સમસ્યાઓ અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર આધારિત સચોટ, સમયસર અને નિષ્પક્ષ સમાચાર પ્રદાન કરીએ છીએ.અમારી સમર્પિત પત્રકારોની ટીમ દ્વારા અમે તમારા સુધી એવા સમાચાર પહોંચાડીએ છીએ, જે ખરેખર મહત્વ ધરાવે છે