વડોદરા : સિનિયર સિટિઝનનું ATM કાર્ડ ચોરી ₹75 હજાર ઉપાડી લીધા, સિટી પોલીસે તપાસ શરૂ કરી

વડોદરામાં સિનિયર સિટિઝનની દેખરેખ માટે રાખવામાં આવેલા કેરટેકરે જ વિશ્વાસઘાત કરીને તેમના બેંક ખાતામાંથી ₹75 હજાર ઉપાડી લીધા હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી માંગલ્ય પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશકુમાર લક્ષ્મીકાંતભાઈ શાહ (ઉં.વ. 61) નિવૃત્ત જીવન જીવે છે. તેમના કાકા અશ્વિનભાઈ કેશવલાલ શાહ (ઉં.વ. 76) અપરિણીત છે અને બાજવાડા વિસ્તારમાં રહે છે.ફરિયાદ મુજબ, અઢી મહિના અગાઉ અશ્વિનભાઈનું હિપનું ઓપરેશન થયું હતું. ઓપરેશન બાદ તેમની સારસંભાળ રાખવા માટે રાજેશ્વરસિંહ જયપ્રકાશભાઈ દરબાર, રહે. ઝંડા ચોક, કિશનવાડી,ને કેરટેકર તરીકે રાખવામાં આવ્યો હતો. આરોપી કેરટેકરે અંદાજે દોઢ મહિના સુધી અશ્વિનભાઈની દેખરેખ રાખી હતી.ત્યારબાદ અશ્વિનભાઈની તબિયતમાં સુધારો થતાં તા. 23 જૂન, 2026ના રોજ નિલેશકુમારે કેરટેકરને હવે આવવાની જરૂર નથી તેમ જણાવ્યું હતું.દરમિયાન તા. 17 ઓગસ્ટે નિલેશકુમાર તેમના કાકાની એફડીનું સ્ટેટસ જાણવા બેંકમાં ગયા હતા. ત્યાં બેંક ખાતાની વિગતો તપાસતા જાણવા મળ્યું કે તા. 2 અને 3 જૂનના રોજ ATM મારફતે કુલ ₹75 હજાર ઉપાડવામાં આવ્યા હતા.આ અંગે વધુ તપાસ કરતાં ફરિયાદીને શંકા ગઈ હતી કે અશ્વિનભાઈની સંભાળ રાખવા માટે આવેલા પૂર્વ કેરટેકર રાજેશ્વરસિંહે જ ATM કાર્ડનો ઉપયોગ કરીને આ રકમ ઉપાડી લીધી હતી. જેથી સમગ્ર મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

ટોચ પર સ્ક્રોલ કરો